મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકોની એક દિવસીય સંયુક્ત પરિષદ
Thu, 07 Aug, 2025
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ને ગ્રામ્ય સ્તર સુધી સાકાર કરવામાં જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા પાયાની અને મહત્વપૂર્ણઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગામતળ નીમ કરવાની પ્રક્રિયા તથા પ્લોટ ફાળવણી પ્રક્રિયાને વધુ સરળ-પારદર્શી બનાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ
મુખ્યમંત્રીશ્રી ::
– ગ્રામીણ આવાસ નિર્માણ યોજનાઓના લક્ષ્યાંકો અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ સ્તરે વધુ આવાસોથી સૌને માથે પાકી આવાસ છતની વડાપ્રધાનશ્રીની નેમ પણ સાકાર થશે
– ટેકનોલોજીના આજના સમયમાં સરકારી સેવાઓ જવાબદેહ બની છે
– સતર્કતા સાથે સત્તાના જનસેવામાં સદુપયોગની ક્લેરિટી-સ્પષ્ટતા સાથે કાર્યરત રહીએ
– ગ્રામીણ જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવનારી કલ્યાણ યોજનાઓના અમલથી જનસેવા અને અત્યોદય ઉત્થાનની મોટી જવાબદારી જિલ્લા વિકાસ અધિકારીઓને મળી છે
ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ તથા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીની પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭ને ગ્રામ્ય સ્તર સુધી સાકાર કરવામાં જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા પાયાની અને મહત્વપૂર્ણ ગણાવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગ્રામોત્થાનથી વિકસિત ભારત સંકલ્પ પાર પાડવા માટે ગામોને અદ્યતન સુવિધાઓ આપીને વિકાસની હરોળમાં તેજ ગતિએ જોડવાની નેમ રાખી છે.
જિલ્લા વિકાસ અધિકારીઓની યુવા ટીમ આ માટે ગ્રામીણ અને ગરીબ જરૂરિયાતમંદ લોકોને આજીવિકા, આવાસ, આયુષ્માન ભારતથી આરોગ્ય સેવાઓ, શૌચાલય, સ્વચ્છતા જેવી અનેક જન કલ્યાણ યોજનાઓ પહોંચાડવા માટે સેવા ભાવના કેળવીને નેતૃત્વ કરે તે આવશ્યક છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં યોજાયેલી જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકશ્રીઓની સંયુક્ત પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કર્યું હતું. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગામતળ નીમ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન કરાવતા ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ આ પરિષદમાં કર્યું હતું. તેમણે આ અંગે જણાવ્યું કે, આ પ્લેટફોર્મ કાર્યરત કરવાથી ગ્રામીણ વિસ્તારોમાં પ્લોટ ફાળવણી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી થવાથી આવાસ નિર્માણ યોજનાઓના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકશે.
એટલું જ નહિ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ સ્તરે વધુ આવાસો બનવાથી સૌને માથે પાકી આવાસ છતની વડાપ્રધાનશ્રીની નેમ પણ સાકાર થશે.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ગ્રામીણ જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવનારી કલ્યાણ યોજનાઓના અમલની મોટી જવાબદારી અને તેને સફળ કરવાની તક જિલ્લા વિકાસ અધિકારીઓને મળી છે. આ તકને જનસેવા અને અત્યોદય ઉત્થાનની ઈશ્વરીય તક તરીકે સ્વીકારીને પૂરી કર્તવ્યનિષ્ઠાથી ફરજ અને જવાબદારી અદા કરવાનો કાર્યસંતોષ લઈ શકાય.
ખોટું આચરણ કરનારાઓને સાંખી લેવાશે નહીં એવી તાકીદ કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વચન, કર્મ અને આચરણ ત્રણેય સરખા જ રાખીને જનહિતમાં કાર્યરત રહીને સરકારી સેવા દીપાવવાનો ભાવ હંમેશા હૈયે રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ટેકનોલોજીના આજના સમયમાં સરકારી સેવાઓ જવાબદેહ બની છે. એટલું જ નહીં, લોકોની જાગરૂક્તા પણ વધી છે ત્યારે યોજનાઓના જિલ્લાઓમાં અમલીકરણ ટીમના વડા તરીકે જિલ્લા વિકાસ અધિકારીઓએ ક્વોલિટી વર્ક, સમયબદ્ધ આયોજન અને લોકોની અપેક્ષાની કસોટીએ ખરા ઉતરવું પડશે.
તેમણે એમ પણ કહ્યું કે, લોકોના કામ સરળતાથી અને ઝડપી થાય તેનું મહત્તમ ધ્યાન રાખીને સતર્કતા સાથે સત્તાનો જન સેવામાં સદુપયોગ થાય તેવી ક્લેરિટી-સ્પષ્ટતા સાથે કાર્યરત રહેવું પડે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ગ્રામીણ વિકાસ સહિતના વિકાસ કામો માટે નાણાની કોઈ સમસ્યા નથી અને નાણાંકીય રીતે રાજ્ય સમૃદ્ધ છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીઓએ છેક છેવાડાના સ્તર સુધી વિકાસ લાભ ૧૦૦ ટકા પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે.
જિલ્લા વિકાસ અધિકારીઓની યુવા ટીમને પ્રોત્સાહન અને પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વિકસિત ભારતનો સંકલ્પ આ યુવા ટીમના સહયોગ અને સથવારે જ પાર પાડવાનો છે એવી લાંબી સફર તેમણે સરકારી સેવાઓમાં તય કરવાની છે. આ માટે નવા વિચારો સાથે જનહિત યોજનાઓને સિદ્ધ કરવા અત્યારે જ્યાં છીએ ત્યાંથી વધુ ગતિએ આગળ વધીને સેવારત રહેવા તેમણે પ્રેરક આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પંચાયત વિભાગની વિવિધ યોજનાઓની સરળ સમજ આપતી પૂસ્તિકા તેમજ સ્ટેટ ઇન્સ્ટિટયૂટ ઓફ રૂરલ ડેવલોપમેન્ટના પ્રથમ ન્યુઝ લેટરનું વિમોચન પણ આ તકે કર્યું હતું.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને ‘વિકસિત ગુજરાત’ થકી સાકાર કરીએ. પ્રધાનમંત્રી ફ્લેગશીપ યોજનાઓના વધુ સુચારૂ અમલથી ગુજરાતના ગામડાઓમાં સાચા અર્થમાં વધુ બદલાવ આવશે. કેચ ધ રેઇન, સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણ જેવા પર્યાવરણ-આરોગ્ય લક્ષી આયામો દ્વારા ગ્રામીણ વિસ્તારની સુખાકારીમાં વધારો થશે. નરેગા યોજના અંતર્ગત લેબલ બજેટ પ્રમાણે માનવદિન ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરીને શ્રમિકોની માંગણી પ્રમાણે કામ અને કરેલ કામનું સમયસર વેતન મળે તે સુનિશ્ચિત કરીએ જેથી ગ્રામીણ અર્થવ્યવસ્થા વધુ જીવંત રાખી શકાય.
મંત્રી શ્રી રાઘવજીએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન હેઠળ બનેલા તમામ અસ્કયામતોનો નિયમિત ઉપયોગ થાય તેમજ તમામ અસ્કયામતોની મરામત અને નિભાવણી થાય તે વધુ સુનિશ્ચિત કરવું પડશે. સેનીટેશન માટે કોઇ પણ કામો બેવડાઇ નહિ તેમજ ૧૫માં નાણાંપંચની રકમનો સેનિટેશનના કામોમાં વધુ સુયોગ્ય ઉપયોગ થાય તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ રાજ્યના ગ્રામીણ વિસ્તારના તમામ ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતાં કુટુંબોને પાકું આવાસ બનાવવા માટે નાણાંકીય સહાય પૂરી પાડી, પાયાની સુવિધાઓ સાથે નવા આવાસના બાંધકામ માટે સહાયરૂપ બનવાનો રાજ્ય સરકારનો દૃઢ નિર્ધાર કર્યો છે. જેને મૂર્તિમંત કરવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આવાસ બાંધકામમાં વધુ મદદરૂપ થવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્રારા રૂ. ૫૦,૦૦૦ની વધારાની સહાય આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગ્રામ વિકાસ વિભાગની મહત્વપૂર્ણ યોજનાઓ ગ્રામિણ જીવન ધોરણને અસરકારક અને અનેકવિધ સુવિધાઓ પુરી પાડતી યોજનાઓ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે સૌ સાથે મળીને આ યોજનાઓનો અસરકારક અને સુયોગ્ય રીતે અમલીકરણથી ગુજરાતના ગ્રામિણ જીવનને વધુ ઉન્નત-સમૃદ્ધ બનાવવામાં ડીડીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની બની જાય છે.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લાવાર યોજનાઓના અમલની સમીક્ષા, નાગરીકોને લાભ પહોંચે તે માટેની કામગીરી અને સુશાસનના માધ્યમથી સારા પરિણામો મેળવવાનો પ્રયત્ન આ બેઠકનો મુખ્ય હેતુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ થકી સમાવેશી લોક કેન્દ્રિત અને સર્વગ્રાહી વિકાસના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, આર્થિક અને સામાજિક સૂચકાંકો, શાસન તથા વહીવટ સહિત નવ થીમ સંબંધિત પંચાયત સ્તરે થતી કામગીરી અને તેની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે ભારત સરકારના પંચાયત એડવાન્સ ઇન્ડેક્સની રચના કરવામાં આવી છે.
પંચાયત એડવાન્સમેન્ટ સૂચકાંક ૨.૦માં કુલ ૧૭૪ જેટલા ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા છે, જે અન્વયે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં સામેલ લાઈન ડિપાર્ટમેન્ટની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં, મુખ્ય સચિવશ્રીએ જિલ્લાના અધિકારીઓને ફિલ્ડ વર્ક વધારવા, આકસ્મિક મુલાકાતો લેવા, સમયસર વેરા વસૂલાત કરવા તથા પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓનો નાગરિકોને મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ એક દિવસીય પરિષદમાં પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેએ સ્વાગત પ્રવચનમાં પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળની ફ્લેગશીપ યોજનાઓની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીશ્રી ધીરજ પારેખ, વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા, ગ્રામ વિકાસ કમિશનરશ્રી અજય દહિયા સહિત જિલ્લાઓના વિકાસ અધિકારીઓ, નિયામકશ્રીઓ, રાજ્ય નોડલ અધિકારીઓ સહિત પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat











