કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા બાદ રાજ્યસભામાં પણ પસાર કરવામાં આવેલ ટ્રીપલ તલ્લાક બીલને આવકારતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી.
આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ’’ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૦ વર્ષ બાદ દેશની મુસ્લિમ મહિલાઓને આઝાદી અપાવતું ટ્રીપલ તલ્લાક બીલ પાસ કરવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, મંત્રી મંડળ તથા રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને હ્ર્દયપૂર્વક અભિનંદન આપું છું. દેશની મુસ્લિમ મહિલાઓ – બહેનો અને માતાઓના આત્મસન્માનની સુરક્ષા કરતુ ટ્રિપલ તલ્લાક બીલ લોકસભા બાદ રાજ્યસભામાં પાસ કરી મોદી સરકારે આજે દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ નારી સન્માન અને સ્ત્રી સ્વતંત્રતાને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર મહિલાઓનાં સશક્તિકરણ અને મહિલાઓનાં અધિકારોની રક્ષા માટે સમર્પિત છે. ટ્રીપલ તલાક પર પાબંદી એ આ દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. ગઈકાલે લોકસભા બાદ રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ ૯૯ v/s ૮૪ મતો સાથે પાસ કરી આઝાદી બાદ ૭૦ વર્ષે ખરા અર્થમાં મુસ્લિમ મહિલાઓને આઝાદી અપાવવાનું કાર્ય આજે કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિધ્ધ કરી બતાવ્યુ છે.
શ્રી વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી મુસ્લિમ સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. ૧૯૭૮માં શાહબાનો કેસમાં સુપ્રીમનો ચુકાદો પણ ટ્રીપલ તલ્લાકની વિરુદ્ધમાં હતો છતાં તે સમયે કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદમાં કાનુન પસાર કરાવી મુસ્લિમ મહિલાઓનો હક છીનવી ટ્રીપલ તલ્લાકને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેસિયા તથા યુ.એ.ઇ. જેવા દુનિયાના અંદાજે ૨૨ જેટલા મુસ્લિમ દેશોમાં વર્ષો પહેલા આ ટ્રીપલ તલ્લાકની કુપ્રથાને નાબુદ કરી દેવામાં આવી છે ત્યારે આપણા દેશમાં વર્ષો સુધી સત્તા પર રહેલી કોંગ્રેસે શા માટે આ કુપ્રથાને નાબુદ ન કરી ? તેનો જવાબ કોંગ્રેસ દેશની જનતાને આપે.
શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશની મુસ્લિમ મહિલાઓ પર વર્ષો સુધી થયેલા અન્યાય અને અત્યાચાર માટે કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસની મેલી મુરાદ, મુસ્લિમ તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિને કારણે વર્ષો સુધી દેશની મુસ્લિમ મહિલાઓને ગૂંગળાવું પડ્યું છે જયારે, આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ અને મક્કમ સંકલ્પને કારણે મુસ્લિમ મહિલાઓને હવે આવી કુપ્રથામાંથી આઝાદી મળી છે.
શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક છે ત્યારે ટ્રીપલ તલ્લાક બીલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુસ્લિમ બહેનોને આપેલી સૌથી મોટી ભેટ બની રહેશે.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444