મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાને આપી રૂ. ૫૫૭ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ

Line

Fri, 06 Jun, 2025

રૂ. ૩૪૩.૩૯ કરોડના ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. ૨૧૩.૭૯ કરોડના ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત થયાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

રૂ. ૫૫૭ કરોડથી વધુનાં વિકાસ કાર્યો રાજકોટ શહેર- જિલ્લાના નાગરિકોના “ઈઝ ઓફ લિવિંગ”માં વધારો કરશે

કરોડોનાં વિકાસ કામો રાજ્ય સરકારની શહેરીજનોની સુખાકારી વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે

રાજકોટને સુરતની જેમ ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવશે

વીજળી, પાણી અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી મળવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા :-

પ્રધાનમંત્રીશ્રીએ વાવેલા વિકાસનાં વટવૃક્ષનાં મીઠા ફળ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા

રમત-ગમતની સંસ્કૃતિ થકી વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ તેમજ ૨૦૩૬માં ઓલિમ્પિક રમતો માટે ગુજરાતની યજમાની ઉત્કૃષ્ટ સાબિત થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં રૂ. ૩૪૩.૩૯ કરોડના ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. ૨૧૩.૭૯ કરોડના ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરીને શહેર-જિલ્લાને રૂ. ૫૫૭.૧૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અહીંના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજકોટ શહેર તથા જિલ્લામાં વિકાસના ખૂબ સારાં કામો થઈ રહ્યા છે. આજે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા વિકાસના કામો રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોના “ઈઝ ઓફ લિવિંગ”માં વધારો કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

છેલ્લા બે દાયકાની રાજકોટની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં અટલ સરોવર, એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ ફ્લાયઓવર સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી રાજકોટની પણ કાયપલટ થઈ છે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો છે. રાજકોટમાં આજે નવનિર્માણ પામેલી આર્ટ ગેલેરી સહિતના કરોડોનાં વિકાસ કામો રાજ્ય સરકારની શહેરીજનોની સુખાકારી વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

રાજકોટ ઝોનના ભાવિ વિકાસના આયોજન અંગે તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે સુરતની જેમ રાજ્યમાં છ ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે ખાસ રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.રાજકોટ ગુજરાતનું એમ.એસ.એમ.ઈ., એન્જિનિયરિંગ, સોના-ચાંદી, જ્વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઊભરી આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આવા ઉદ્યોગોને વિશ્વ કક્ષાનું માર્કેટ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજનો આજે ૩૫૨મો રાજ્યાભિષેક દિવસ છે, તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, શિવાજી મહારાજે સુશાસનની સ્થાપના કરી હતી અને જન સુખાકારી, સુરક્ષા અને યુદ્ધનું શ્રેષ્ઠ મોડલ વિકસાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરીને નાગરિક દેવો ભવ:ની ભાવના સાથે છેલ્લા ૧૧ વર્ષના સુશાસનમાં નાનામાં નાના માણસને વિકાસના લાભો પહોંચાડીને સુશાસનનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે. વડાપ્રધાનશ્રીના ચીંધેલા માર્ગે આજે રાજકોટને રૂ. ૫૫૭.૧૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે. જેમાં રૂ. ૨૩૮ કરોડના વિકાસ કાર્યો ઊર્જાક્ષેત્ર સાથે જોડાયેલા હોવાનું તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સુશાસન દરમિયાન જ્યોતિગ્રામ યોજના શરૂ કરીને ગામે ગામ ૨૪ કલાક વીજળી મળે તે સુનિશ્ચિત કર્યું છે. ખેતી માટે ફીડરો અલગ કરાવ્યા. આ સાથે ઉદ્યોગ અને ખેતીને પૂરતી વીજળી મળે તે માટે શ્રી નરેન્દ્રભાઈએ સંતુલિત અભિગમ અપનાવ્યો હતો.

પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, એક સર્વે મુજબ રાજ્યમાં ૩.૪૦ લાખ પરિવારોએ સોલાર રૂફટોપ લગાવ્યા છે. જેમાંથી લોકોએ ૫૮ ટકા વીજળી ઘર વપરાશમાં ઉપયોગમાં લીધી અને ૪૨ ટકા વીજળી સરકારને વેચીને કમાણી કરી છે. આ ખૂબ સારી યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે એવી તેમણે અપીલ કરી હતી. ખેડૂતોને પણ સોલાર યોજનાનો લાભ મળે છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યના ૯૮ ટકા ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના થકી સૌરાષ્ટ્રના ગામે-ગામ પાણી પહોંચાડ્યા છે. આજે વીજળી, પાણી અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી મળતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ ધંધાઓનો વિકાસ ઝડપથી થયો છે. રાજકોટ જિલ્લાને આજે મળી રહેલા રૂ. ૧૧૨ કરોડના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જિલ્લાના ઉદ્યોગોને બળ આપશે અને નાગરીકોને પરિવહન માટે ઉત્તમ સુવિધા મળશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૫માં પહેલીવાર શહેરી વિકાસ વર્ષ ઉજવવાની શરૂઆત કરી હતી. જેનાથી ગુજરાતના શહેરીકરણને નવી દિશા મળી છે. શહેરી વિકાસ વર્ષના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે “વર્લ્ડ ક્લાસ સિટીઝ” વિકસાવવાની નેમ સાથે વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કર્યો છે.

ગુજરાત સરકાર ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન આપતી હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, “ક્લીન ગુજરાત અને ગ્રીન ગુજરાત” માટે રાજ્યના શહેરો સ્વચ્છ સાથે પ્લાસ્ટિકમુક્ત બને તે નાગરિકોનું પણ કર્તવ્ય છે.

આ તકે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા માટે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભારતીય સેનાને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વાવેલા વિકાસના વટવૃક્ષના મીઠા ફળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સર્વાંગી સમતોલ વિકાસ થકી છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજય સરકારે વીજળી, પાણી, રસ્તા સહિત કલા, રમતગમત ક્ષેત્રને પણ વિકાસની યાત્રામાં જોડી “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ગુજરાત સરકારે જસદણ જેવા છેવાડાના વિસ્તારમાં યુવાનો રમતગમતના સાધનો અને તાલીમ થકી ખેલકૂદ ક્ષેત્રે આગળ વધે તે માટે ૮ કરોડના ખર્ચે ઇન્ડોર-આઉટડોર રમત માટે વિશાળ સંકુલ બનાવ્યું છે. જેમાં એથ્લેટીક્સ, જુડો ,કબડ્ડી, ખો-ખો જેવી રમતો માટેની સુવિધાઓથી જસદણના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળશે. રમતગમતની આ સંસ્કૃતિથી ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ તેમજ ૨૦૩૬માં ઓલમ્પિક રમતો માટે ગુજરાતની યજમાની ઉત્કૃષ્ટ સાબિત થશે.

છેવાડાના વિસ્તારોના લોકો સુધી પણ પૂરતું પાણી પહોંચાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રની ઓળખ અછતવાળા વિસ્તાર તરીકેની હતી ત્યાં આજે ‘સૌની યોજના’ થકી મા નર્મદાના પાણી પહોંચતા ઉનાળામાં પણ નાગરિકોને પૂરતું પાણી મળી રહ્યું છે. રાજકોટને પીવાના પાણીનો વધુ પુરવઠો પ્રાપ્ત થાય તે માટે આજે લોકાર્પિત થતી મોવિયા,મચ્છુ-૧ અને પડધરી યોજનાઓ દ્વારા ગોંડલ, રાજકોટ, પડધરી, કોટડા સાંગાણી અને લોધીકા વિસ્તારના લાખો લોકોને પ્રતિ વ્યક્તિ સો લીટર પાણી મળશે.

આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડિયાએ રાજકોટ જિલ્લાને માત્ર છ માસના સમયગાળામાં રૂ. ૧૬૨૩ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા આપી વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ માટેની બોર રિચાર્જ, ઈલેક્ટ્રીક બાઈકમાં સહાય, ઘન કચરાના નિકાલ સહિતની પહેલ વિશે જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન સાથે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘સુશાસન’ અને ‘જનકલ્યાણ’ એ ગુજરાત સરકારની શાસન પ્રણાલીના કેન્દ્રમાં છે. આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ જિલ્લા તથા મહાનગરના નાગરિકોને સરકારના વિવિધ નવ વિભાગોના આશરે રૂપિયા ૫૨૫ કરોડના ૪૧ વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે.

આ તકે કલેકટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત થવા જઈ રહેલા જસદણના તાલુકા કક્ષાના સ્પોર્ટસ સંકુલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રમત-ગમતને વિશેષ પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની નીતિને સાર્થક કરતાં, જસદણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત એકર જમીન પર રૂ. ૮.૪૦ કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ પામ્યું છે. આ સાથે તેમણે વિવિધ વિકાસ પ્રકલ્પોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૩૪૩.૩૯ કરોડનાં ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તેમજ રૂપિયા ૧૮૧.૬૭નાં ૨૭ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત થયાં છે.

આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનને રૂ. ૭૫ લાખની સહાયની રિ-એમ્બર્સમેન્ટ સબસિડી સ્કીમ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે સ્વામિત્વ યોજના હેઠળ તૈયાર થયેલા પ્રોપર્ટી કાર્ડનું લાભાર્થીઓને વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત “નિર્મળ ગુજરાત ૨.૦”હેઠળ સફાઈ કામદારોને પ્રોત્સાહન રૂપે રૂ. ૧૦ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે આભારવિધિ કરી હતી.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે સાંસદો સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, મ્યુનિસપિલ કમિશનર શ્રી તુષાર સુમેરા, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબહેન શાહ, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી જીતુભાઈ સોમાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રીમતી લીલુબહેન જાદવ, દંડક શ્રી મનીષ રાડિયા, અગ્રણી ડૉ. ભરત બોઘરા, ડે. મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી શ્રી માધવ દવે, શ્રી મુકેશ દોશી, શ્રીમતી બીનાબહેન આચાર્ય, શ્રી પ્રકાશભાઈ સોની, નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.શ્રી, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટના કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રેસકોર્સ ખાતે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવનિર્મિત આર્ટ ગેલેરી જાહેર જનતા માટે ખુલ્લી મૂકી પ્રદર્શિત કલાત્મક કૃતિઓ રસપૂર્વક નિહાળી હતી.

Source: Information Department, Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.  આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા ધી ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા અમદાવાદના વિરાટનગર ખાતે આયોજિત નોટબુક વિતરણ અને ગરબા સ્પર્ધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ કરી નોટબુક વિતરણ કર્યું હતું તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

October 16, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line